Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ
Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ
રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું
અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે
કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ટ્રેનરો અને કોચ કે જેવો ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને દૈનિક ૧૦૦ ની સંખ્યા ઉપરાંત સાધકોને યોગનું શિક્ષણ અને સમજ આપી ૫૦૦૦ ઉપરાંત યોગ વર્ગના ક્લાસ ચલાવી રહ્યા છે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ કરવાની છે. યોગને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે પ્રશિક્ષણ મેળવેલું છે. આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકોની જરૂરિયાત રહેવાની છે અને ગુજરાતને યોગમય ગુજરાત બનાવવાનું છે. સમાજમાં અત્યારે જુદા જુદા પ્રકારના રોગો કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગો દ્વારા લોકો પીડાઈ રહ્યા છે ત્યારે એનો સચોટ ઉપાય એ યોગનો માર્ગ છે. યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે એ પ્રકારનું કામ યુદ્ધના ધોરણે કરવાનું છે. આપણે સૌ સાથે મળી યોગનું કાર્ય કરતી તમામ ભગીની સંસ્થાઓ સાથે સમગ્ર ગુજરાત અને ભારત વર્ષને યોગમય બનાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવાનું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. સર્વે યોગ ટ્રેનર અને યોગ કોચ એ ગુજરાત રાજ્યની આરોગ્ય અને સુખાકારીના ચાવીરૂપ પ્રતિનિધિ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી વેદીએ સૌને નીતિમત્તા અને પ્રમાણિકતા, નિષ્ઠા સાથે યોગના કાર્યમાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી અનસુયા જ્હાએ પ્રેરક ઉદબોધનમાં યોગ કાર્યનો વિસ્તાર વધારી ગુજરાત સરકારની યોગલક્ષી પ્રવૃત્તિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની વિશેષ જવાબદારી આપ સૌને સોંપવામાં આવી છે ત્યારે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી સાચા અર્થમાં યોગ સેવક બનવા આહવાન કર્યુ હતું.
ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર સંસ્થાના આત્મઅર્પિત મૌલિકભાઈએ જણાવ્યું કે, યોગ એ આત્મ સાક્ષાત્કાર અને લોકોના જીવનને નીરોગી બનાવવાનું અને આનંદમય જીવનની પ્રેરણા આપતું દુર્લભ કાર્ય છે. જેમાં ૭૦% થી વધુ બહેનો કામગીરી કરી રહી છે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિશેષ ઉપલબ્ધિ છે. આ શિબિર દ્વારા સર્વે યોગકોચ/ ટ્રેનરોએ મેળવેલા શિક્ષણ દ્વારા યોગનો પ્રસાર પ્રચાર કરી લોકોના આરોગ્ય અને સુખાકારી સાથે મોક્ષના માર્ગ તરફ જવા પ્રેરણા આપતા એક યોગ યોદ્ધા તરીકે કામ કરશો એવી શુભેચ્છા પાઠવી હતી.
સંપૂર્ણ શિબિરનું સંચાલન યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાતઃ યોગ શિબિર થી શરૂ કરી ત્રણેય દિવસ યોગ ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ડો. ગૌરાંગ વ્યાસ, ડો. હિતેશ પરમાર, ડો. ભાનુભાઈ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર પારસ ગાંધી, દિલીપ ધોળકિયા, વિજય પરસાણા દ્વારા જુદા જુદા વિષયોનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી અને પતંજલિ સંસ્થાના તનુજાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેએ આભાર વિધિ કરી હતી.
Comments
Post a Comment